All-party Meeting ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસીને વ્યક્તિગત ફોન કરીને આમંત્રણ આપ્યું
All-party Meeting પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે 25 એપ્રિલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં તમામ મોટા રાજકીય પક્ષોના નેતાઓ હાજરી આપશે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુથી સમગ્ર દેશમાં શોક અને ક્રોધનું વાતાવરણ છે. દેશના આ ગંભીર મુદ્દા પર સાંસદો અને રાજકીય પક્ષોને જાણકારી આપવા માટે ગૃહ મંત્રાલયે આ બેઠકનું આયોજન કર્યું છે.
AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ તબક્કે આ બેઠક અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે નાની પાર્ટીઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું. પરંતુ હવે ઓવૈસીએ દાવો કર્યો છે કે ગૃહમંત્રી અમિત શાહે તેમને વ્યક્તિગત રીતે ફોન કરીને આમંત્રણ આપ્યું છે અને તેઓ દિલ્હી જઈને આ બેઠકમાં હાજરી આપશે.
ઓવૈસીએ કહ્યું કે દેશ માટે આ મહત્વની બેઠક છે અને તેમાં તમામ પક્ષોનો અવાજ આવવો જોઈએ. તેમણે કહ્યું, “ગૃહમંત્રીએ મને ફોન કર્યો અને મને હાજરી આપવા કહ્યું.
https://twitter.com/ANI/status/1915328259967058060
ઓવૈસીએ આ હુમલાની નિંદા કરતાં કહ્યું કે આતંકીઓએ પ્રાણીઓથી પણ વધુ ઘાતકી કૃત્ય કર્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે એટલા પ્રવાસીઓ હાજર હતા ત્યારે ત્યાં સુરક્ષા કેમ નહોતી? તેમણે સરકારે ગંભીર જવાબદારી નિર્ધારિત કરવાની પણ માગ કરી.
આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. તેમને સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે અને તમામ નેતાઓને હુમલાની વિગતોથી અવગત કરાવશે.
અત્યારસુધી મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસ, સપા, એનસીપી સહિતના અન્ય પક્ષોના નેતાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. પહેલગામ હુમલાનું ગંભીર સ્વરૂપ અને તેનો રાષ્ટ્રીય સુરક્ષા પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને, આ બેઠક દેશના રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ બની છે.