બનાસકાંઠા જિલ્લાના લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ સામેથી જ આમંત્રણ આપી રહ્યાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. બનાસકાંઠાના ડીસામાં આવેલા ત્રણ હનુમાન મંદિરમાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવા મોટી સંખ્યામાં મહિલાઓના ટોળેટોળાં એકઠા થયા હતાં.પૂજા અર્ચના કરવા આવેલી તમામ મહિલાઓએ ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું કે ન હોતા માસ્ક પહેર્યા હતાં. કોરોનાના કેસોમાં ઘટાડો થતા એકાએક આ પ્રકારની બેદરકારી રાખવી એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. રાજ્યમાં કોરોનાના કેસો હવે 150ની નીચે પહોંચી ગયા છે. ત્યારે મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત રોજ છેલ્લાં 24 કલાકમાં 138 નવા કોરોનાના કેસો નોંધાયા હતાં. તો બીજી બાજુ માત્ર 487 લોકો કોરોનાને માત આપીને સાજા થયા હતાં. અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.20 ટકાએ પહોંચ્યો હતો.રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો હાલમાં રાજ્યમાં કુલ 4807 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 81 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 4726 લોકો સ્ટેબલ છે. 8,07,911 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યાં છે. રાજ્યમાં ગત રોજ નવા 03 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે કુલ 10,040 લોકોનાં મોત નિપજ્યાં છે.
