મધ્ય પ્રદેશના રતલામમાં ઝાડ-ફૂંક કરનારા એક બાબાનું કોરોના વાયરસથી મોત થયા બાદ હડકંપ મચી ગયો. બાબાના 24 ભક્તો પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ બાદ હરકતમાં આવેલા પ્રશાસને સમગ્ર જિલ્લામાં આવા ઝાડ-ફૂંક કરતા ઘણા બાબાઓને ક્વોરન્ટાઈન કરી લીધા છે. ઉપરાંત લોકોને પણ આવા બાબાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. રતલામના નયાપુરામાં રહેનારા ઝાડ-ફૂંક કરનારા ‘બાબા’ નું 4 જૂને કોરોનાથી મોત થઈ ગયું. પ્રશાસનને જ્યારે બાબાની કોન્ટેક્ટ હિસ્ટ્રીની શોધખોળ શરૂ કરી તો ઘણા લોકોના નામ સામે આવ્યા, જે સતત બાબાના સંપર્કમાં હતા. હવે બાબાના 24 ભક્તો કોરોના પોઝિટિવ આવ્યા છે. મૃતક 62 વર્ષના આ બાબા ઝાડ-ફૂંક કરીને તમામ સમસ્યાઓથી છૂટકારો અપાવવાનો દાવો કરતા હતા. તે પોતાના ભક્તોને ફૂંક મારીને પાણી પીવડાવતા અને ભક્તના હાથ પર ‘કિસ’ કરતા હતા.
બાબા ક્યારે અને કેવી રીતે કોરોના સંક્રમિત થયા કોઈને ખબર ન પડી. તેમની સાથે સાથે ભક્તોમાં પણ કોરોના ફેલાઈ ગયો. કોરોના સંક્રમણ બાબાથી ભક્તોમાં ફેલાયું છે કે ભક્તોથી બાબા સંક્રમિત થયા છે, તેની સમગ્ર ચેનની તપાસ કરવામાં આવી રહી છે. નોડલ અધિકારી ડો. પ્રમોદ પ્રજાપતિએ પણ સ્વીકાર્યું હતું કે, બાબાના સંપર્કમાં આવેલા 24 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રતલામમાં અત્યારે કોરોનાના 46 એક્ટિવ કેસ છે અને કુલ 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. બાબાનો આ કિસ્સો સામે આવ્યા બાદ પ્રશાસને સાવધાની માટે 29 વધુ બાબાઓને ક્વોરન્ટાઈન કરી દીધા છે. આ દરમિયાન જેમનામાં કોરોનાના લક્ષણો સામે આવશે તેમનો ટેસ્ટ કરાવવામાં આવશે. પ્રશાસને કહ્યું કે, બાબાઓથી ખતરો એટલા માટે પણ છે કે તેઓ ઝાડ-ફૂંક કરવા ઉપરાંત ઘણા પ્રકારની વસ્તુઓ પણ આપે છે. જેનાથી સંક્રમણનો ખતરો વધી જાય છે.