નવી દિલ્હીઃ દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોરોના મહામારી મુદ્દે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જરૂરી દવાઓ તેમજ ઓક્સિજનના ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા યોગ્ય રીતે કેમ નથી થઈ રહી તે અંગે સવાલ કર્યો હતો. કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું કે દેશમાં માસિક સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિરનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ સરકારે માગ અને પુરવઠાની માહિતી આપી નહોતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે દવાઓની ફાળવણીની રીત પણ જણાવી નથી. કેન્દ્રે ડોક્ટરોને એ પણ કહેવું જોઈએ કે રેમડેસિવિર અથવા ફેબિફ્લુ ઉપરાંત અન્ય યોગ્ય દવાઓ પણ દર્દીઓને જણાવે. સુનાવણી દરમિયાન વકીલ પ્રેરણા પ્રિયદર્શીનીએ કહ્યું કે, સ્થાનિક આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ બતાવ્યા વિના કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં પ્રવેશ નથી અપાઈ રહ્યો.
આ મુદ્દે સુપ્રીમે નિર્દેશ આપવા જોઈએ. આ સંદર્ભમાં જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે આધાર અથવા રહેણાંકના પુરાવાઓ વિના પણ હોસ્પિટલ દર્દીઓને દાખલ કરતાં અટકાવી શકે નહીં. કોઈ દર્દીને કોરોનાની સારવારની જરૂર હોય તો હોસ્પિટલ તેને ઈનકાર કરી શકે નહીં.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમે નાગરિકોને ઓક્સિજનના સિલિન્ડર માટે રડતા જોયા છે. દિલ્હીમાં ઓક્સિજન ઉપલબ્ધ નથી એ હકીકત છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ઓક્સિજનની અછત છે. તમારે આગામી સુનાવણીમાં જણાવવાનું રહેશે કે આજે અને સુનાવણીના આગલા દિવસમાં ઓક્સિજનની બાબતમાં શું વધું સારું થયું છે.
દિલ્હીમાં કોરોના મુદ્દે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રીમે કહ્યું કે રાજકારણ ચૂંટણી સમયે થાય છે આપત્તિના સમયે નહીં. દિલ્હીના લોકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ.