મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા અંગે રાજ્યની આઘાડી સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.શિરાલાની મેજિસ્ટ્રેટ કોર્ટે 6 એપ્રિલે રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 6 એપ્રિલના રોજ સાંગલીના શિરાલા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા MNS વડા રાજ ઠાકરે વિરુદ્ધ 2008ના કેસના સંબંધમાં IPCની કલમ 143, 109, 117, 7 અને બોમ્બે પોલીસ એક્ટની 135 હેઠળ જારી કરવામાં આવ્યા હતા.
કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરના બિન-જામીનપાત્ર વોરંટ હેઠળ MNS વડા રાજ ઠાકરેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે તેમ છતાં મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડનો અમલ કર્યો નથી. આ બિનજામીનપાત્ર વોરંટ રાજ ઠાકરેને એક જૂના કેસના સંબંધમાં જારી કરવામાં આવ્યું છે. કોર્ટે પોલીસને એ પણ પૂછ્યું કે 6 એપ્રિલે વોરંટ જારી થયા પછી પણ રાજ ઠાકરે વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.
જાણો સમગ્ર મામલો
માહિતી અનુસાર, MNS કાર્યકર્તાઓએ 2008માં પરલીમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ST)ની બસો પર પથ્થરમારો કર્યો હતો. 2008માં રાજ ઠાકરેની રેલવેમાં પ્રાંતીય યુવાનોની ભરતીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરોધમાં, MNS કાર્યકર્તાઓએ રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અંબાજોગાઈમાં ST બસને પણ નિશાન બનાવી હતી. રાજ ઠાકરેને આ જ કેસમાં નોંધાયેલી એફઆઈઆર સંદર્ભે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ રાજ ઠાકરે એક વખત પણ સુનાવણીમાં હાજર થયા ન હતા. જામીન હોવા છતાં સતત તારીખો પર ગેરહાજર રહેતાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.