મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે સારા સમાચાર છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કર્યા છે. 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 135 રૂપિયા સસ્તો થયો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડર પર કોઈ રાહત નથી.
કિંમતમાં ઘટાડા બાદ હવે દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 2,354 રૂપિયાને બદલે 2,219 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત હવે 2,454 રૂપિયાથી ઘટીને 2,322 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં હવે તે રૂ. 2,306ને બદલે રૂ. 2,171.50માં ઉપલબ્ધ થશે, જ્યારે ચેન્નાઇમાં ગ્રાહકોએ રૂ. 2,507ને બદલે રૂ. 2,373 ચૂકવવા પડશે.
અગાઉ, છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘણી વખત વધારો થયો હતો. માર્ચમાં દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 2,012 રૂપિયા હતી. 1 એપ્રિલે તેની કિંમત વધારીને 2,253 રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ 1 મેના રોજ તેની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2,354 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર નથી
જોકે પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ મે મહિનામાં જ તેની કિંમતમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. 7 મેના રોજ કંપનીઓએ 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ 3.50 રૂપિયાના વધારા સાથે ઘણા શહેરોમાં તેની કિંમત 1000 રૂપિયાને પાર થઈ ગઈ હતી. આ પછી દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1,003 રૂપિયા પર પહોંચી ગઈ હતી.