નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના પશ્વિમી દરિયાકાઠે વસતા રાજ્યોમાં તાઉતે વાવાઝોડાયે તબાહી મચાવી છે ત્યારે હવે તાઉતે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તાઉતે જ્યાંથી પસાર થયું ત્યાં તબાહી મચાવી છે. અનેક લોકો ગુમ થયા છે. જોકે, નેવી-કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન શરું કર્યું છે. અને સમુદ્રમાં ફસાયેલા 638 લોકોનું રેસ્ક્યૂ કરીને બચાવાયા છે. જોકે, હજી પણ 91 લોકો ગુમ થયા છે. નૌસેનાના હેલિકોપ્ટર અને તટરક્ષક દળની સાથે ભારતીય નૌસેનાના પાંચ જહાજની મદદથી પી-305ના 91 લોકોને શોધવા અને બચાવ માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ લોકો વાવાઝોડામાં ગુમ થઈ ગયા છે. મુંબઈ કાંઠેથી 35 સમુદ્રી માઇલ દૂર બાર્જ ડૂબવાના 20 કલાકથી વધુ સમય બાદ પણ લોકોની શોધખોળ ચાલુ રહી છે. જોકે બાર્જના કુલ 180 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ચાર જહાજોની મદદથી શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 638 લોકો અને તેમના બાર્જને મંગળવાર સાંજ સુધી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે પી-305 ઉપરાંત ત્રણ બાર્જ પર સવાર તમામ કર્મી સુરક્ષિત છે.
P-305 પર 180 લોકો ઉપરાંત, જીએએલ કન્સ્ટ્રક્ટરના બાર્જ પર 137 કર્મી સવાર હતા. નૌસેના અને ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું કે આ તમામને મંગળવારે બચાવી લેવામાં આવ્યા. સૂત્રોએ કહ્યું કે, ત્રીજા બાર્જ, સપોર્ટ સ્ટેશન-3 પર 220 લોકો સવાર હતા. તે પીપાવાવ પોર્ટથી ઉત્તર-પશ્ચિમ તરફ વહી ગયું હતું. તેમાં એક ટગબોટ પણ જોડાયેલી હતી. આ બાર્જો પર સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેય બાર્જ શાપૂરજી પલોનજી સમૂહની કંપની એફકોન્સના છે અને તેમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો સવાર હતા.
આ ઉપરાંત ઓએનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ પોર્ટથી દૂર ચાલી ગયું હતું. તેને પણ સુરક્ષિત કાંઠા સુધી લાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓએનજીસીના 38 કર્મચારી સહિત 101 લોકો સવાર હતા. મંગળવારે ત્રણ નૌસૈનિક જહાજ આઇએનએસ વ્યાસ, બેતવા અને તેગ – પી- 305 માટે સર્ચ અને બચાવ માટે આઇએનએસ કોચ્ચિ અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયા. સાથોસાથ પી-8 આઇ અને નૌસેનાના હેલિકોપ્ટરને એર સર્ચ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.