Supreme Court મુર્શિદાબાદ હિંસા મામલો સુપ્રીમ કોર્ટમાં, SIT રચવાની અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગવાની માંગ
Supreme Court પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી છે. 14 એપ્રિલ, 2025ના રોજ એડવોકેટ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હિંસાના મામલે એક વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટને હિંસાની ઘટનાઓની નિષ્ણાત દેખરેખ હેઠળ તપાસ કરાવવી જોઈએ અને રાજ્ય સરકાર પાસેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્પષ્ટ જવાબ માંગવો જોઈએ, તેવી અપીલ પણ છે.
આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને યોગ્ય રીતે સંભાળી નથી શકી, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવને જોખમ ઉભું થયું છે. અરજદારએ કોર્ટને વિનંતી કરી છે કે તે રાજ્ય સરકારને હિંસા રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપે.
અરજદારે એવી પણ માગ કરી છે કે કોર્ટ આ કેસની ગંભીરતા ને ધ્યાને લઈને કેસની તપાસ માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ SIT ની રચના કરે, જે સીધી રીતે સુપ્રીમ કોર્ટને જવાબદાર હોય. આ રિપોર્ટોમાં જણાવાયું છે કે મુર્શિદાબાદમાં થઇ રહેલી હિંસા કિસ્સાઓ માત્ર સાંપ્રત કાયદાકીય ઉલંગન નહીં પરંતુ માનવાધિકારના ધજાગરા ઉડાવનારા છે.
અરજીમાં આગળ જણાવાયું છે કે, પીડિતોના પરિવારજનોએ પોલીસ પર ભેદભાવપૂર્ણ વર્તનનો આરોપ લગાવ્યો છે અને તેઓને ન્યાય મળવા અંગે શંકા છે. રાજ્ય સરકારની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે અને એવી પણ દલીલ કરવામાં આવી છે કે જો તટસ્થ તપાસ નહીં થાય તો દોષિતોને સજા થવી મુશ્કેલ બની જશે.
હવે જોવાનું રહ્યું કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. શું કોર્ટ રાજ્ય સરકારને કડક સંદેશ આપશે કે પછી SITના માધ્યમથી તપાસ શરૂ કરવાનો આદેશ આપશે – એ આગળના સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ સ્પષ્ટ છે કે મુર્શિદાબાદની હિંસા હવે રાષ્ટ્રીય સ્તરે ગંભીર મુદ્દો બની ગઈ છે.