મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીના પુત્ર જીશાન સિદ્દીકીને રૂ. ૧૦ કરોડની ખંડણી માંગીને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પછી પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને જાનથી મારવાની ધમકી મળી છે. એક ઈમેલ દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી છે. તેની જાણ જીશાન સિદ્દીકી દ્વારા પોલીસને કરવામાં આવી તે પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમ જીશાન સિદ્દીકીના બાંદ્રામાં આવેલા નિવાસસ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ધમકીભર્યા ઈમેઈલનાસ્ત્રોતની શોધખોળ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને મેઈલના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં લખ્યું છે, ‘જે હાલ બાબા સિદ્દીકીનો કર્યો છે એવો જ હાલ તારો કરીશું.’ ધમકી આપનારે ૧૦ કરોડની માંગ કરી હોવાનું પણ કહેવામાં આવી રહૃાું છે. હાલ આ મામલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
સમગ્ર મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂર્વ ધારાસભ્ય જીશાન બાબા સિદ્દીકીને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. જ્યારે આ મામલે બ્રાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના બ્રાન્દ્રા ઈસ્ટમાં તેમના દીકરાના કાર્યલયની પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ હત્યાની લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી હતી.
બાબા સિદ્દીકીએ ૧૯૯૯, ૨૦૦૪અને ૨૦૦૯માં સતત ૩ વખત બાંદ્રા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. બાબા સિદ્દીકીનું ૬૬ વર્ષની વયે અવસાન થયું. પોલીસે અત્યાર સુધીમાં બાબા સિદ્દીકી હત્યા મામલે ૨૬ આરોપીઓ સામે મકોકા હેઠળ કાર્યવાહી કરી છે.