કેન્દ્રની મોદી સરકારે પાછલા એક વર્ષમાં ઓછામાં ઓછા 25 શહેરો અને ગામના નામ બદલી નાંખ્યા છે. જ્યારે સરકાર પાસે નામ બદલાવાના અનેક પ્રસ્તાવો હોવાની જાણકારી મળી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળનું નામ બદલવાનો પ્રસ્તાવ પણ પેન્ડીંગ છે.
જે વિસ્તારોના નામ બદલી કાઢવામાં આવ્યા છે તેમાં ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ અને ફૈઝાબાદનો દાખલો તાજો છે. જ્યારે અન્ય કેટલાક નામો કેન્દ્ર સરકારની મંજુરીની વાટ જોઈ રહ્યા છે. આમાં પશ્ચિમ બંગાળને બાંગ્લા કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ પ્રક્રીયા બહુ લાંબી છે અને અનેક મંત્રાલયોમાંથી ફાઈલ પાસ થાય છે. કેન્દ્ર સરકારે ફૈઝાબાદનું નામ પ્રયાગરાજ અને ઈલાહાબાદનું નામ અયોધ્યા કરવાના પ્રસ્તાવને તાજેતરમાં મંજુરી આપી છે.
આ ઉપરાંત સંભવિત ફેરફાર માંગતી અરજીઓમાં આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના રાજામુંદરીનું નામ બદલીને રાજામહેન્દ્ર વર્મન, આઉટર વ્હીલર આઈલેન્ડનું નામ એપીજે અબ્દુલ કલામ દ્વીપ, કેરળના માલાપ્પુરાના અરિક્કોડનું અરિકોડ, હરીયાણાના જીંદ જિલ્લાના પિંડારીનું નામ પાંડુ પિંડારા, નાગાલેન્ડના ખિફીરે જિલ્લાના સનફુરનું નામ સામફુરે જેવા પ્રસ્તાવો સરકાર પાસે પેન્ડીંગ છે. આ સિવાય મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં લંગડેવાડીનું નામ નરસિંહ ગામ, હરિયાણાના રોહતકના સાંપલા જિલ્લાનું નામ ચૌધરી સર છોટુરામ નગર કરવાના પ્રસ્તાવ પણ પેન્ડીંગ છે,
ગુજરાતના અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ પણ ગુજરાત સરકાર ટૂંક સમયમાં મોકલી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને અહેમદનગરના નામને બદલવાની પણ દરખાસ્ત મંગાવવામાં આવી છે. આખાય દેશમાં ભાજપ સરકાર મુસ્લિમ નામોને તાત્કાલિક બદલવાની નીતિ અપનાવીને બેઠી છે. હજુ સુધી કોઈ શહેરનું નામ મુસ્લિમ કરવા પર સરકારની નીતિ જણાઈ આવી રહી નથી.મુસ્લિમ નામો પ્રત્યે ભાજપની સૂગ હવે ઉઘાડી પડી રહી છે.