લોકસભામાં સરકારે માહિતી આપતા જણાવ્યું કે, પાછલા પાંછ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતની નાગરિકતાને છોડી દીધી છે. જે રીતે પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી હતી તેવી જ રીતે પાંચ વર્ષમાં 10 હજારથી વધારે લોકોએ ભારતીય નાગરિક્તા મેળવવા માટે અરજી પણ કરી છે.
લોકસભામાં માહિતી આપવામાં આવી છે કે, જે 10645 લોકોએ ભારતીય નાગરિક્તા મેળવવા અરજી કરી હતી તેમાંથી 4177 લોકોને નાગરિક્તા આપવાની માગણીને માન્ય રાખવામાં આવી છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે.
ભારતીય નાગરિક્તા માટે જે 10645 લોકોએ અરજી કરી હતી તેમાંથી 227 અમેરિકન, 7782 પાકિસ્તાનિ, 795 અફઘાનિસ્તાનિ અને 184 બાંગ્લાદેશના છે. જે ચાર હજારથી વધુ લોકોને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે તેમાંથી 2016મા 1106 લોકોને, 2017માં 817, 2018માં 628, 2019માં 987 અને 2020માં 639 લોકોને ભારતના નાગરિક બનાવવામાં આવ્યા હતા.
જોકે, સૌથી મહત્વપૂર્ણ વાત તે છે કે, પાછલા પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ નાગરિક્તા છોડી દીધી છે. જેમાં 2017માં 1,33,049, 2018માં 13456, 2019માં 144017, 2020માં 85248 અને સપ્ટેમ્બર 2021 સુધીમાં 111287 લોકોએ ભારતીય નાગરિક્તાને અલવિદા કહી દીધું છે. જે ભારત માટે એક ચિંતાજનક બાબત છે.
ભારતીય લોકો આટલી મોટી સંખ્યામાં કેમ પોતાના દેશની નાગરિકતા છોડી રહ્યાં છે, તે અંગે સરકાર માહિતી મેળવવી જરૂરી છે. કેમ કે ભારત બહાર રહેતા ભારતીય લાખો-કરોડો રૂપિયા દેશમાં મોકલતા હોય છે. તેવામાં તેમનો સાથ છોડી દેવો દેશ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેથી કેમ ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યાં છે? તે પ્રશ્નનો જવાબ સરકારે શોધવો રહ્યો.