જુલાઈ-2019થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જારી થનાર ડ્રાઈવિંગ લાયસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક એક જેવા બનશે. ડ્રાઈવિંગનો રંગ, લૂક અને ડિઝાઈન સહિતના ફિચર્સ સાથે નવા ડ્રાઈવિંગ લાયસન્સ લોકોને મળશે. સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઈક્રોચીપ તથા ક્યુઆર કોડ હશે. આ કાર્ડમાં મેટ્રો અને એટીએમ કાર્ડની જેમ નિયરફિલ્ડ કોમ્યુનિકેશન(NFC) પણ હશે.આનાથી ટ્રાફિક પોલીસને તરત જ સંપૂર્ણ જાણકારી મળી જશે.
જો વાહન હાંકનારે અંગ કર્યું છે તો તેની પણ જાણકારી તેમાં ઈઝીલી મળી જશે. જો ડ્રાઈવર દિવ્યાંગ છે તો ખાસ રીતે તૈયાર કરાયેલી સૂચના કાર્ડમાં ઉપલબ્ધ હશે. પ્રદુષણ નિયંત્રણની સુવિધા માટે ઈમિશનની પણ આરસી બુકમાં સુવિધા હશે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે વર્તમાન તબક્કે ગાડીનું પોલ્યુશન ચેક કરવાનું હોય તો તેની જાણકારી ગાડી માલિક પાસેથી લેવી પડે છે.
ટ્રાન્સપોર્ટ મંત્રાલયના અધિકારીઓ પ્રમાણે આનાથી ટ્રાફિક પોલીસને ખાસ્સી રાહત થશે અને ક્યુઆર કોડ સ્કેન કરતાં જ બધી જ જાણકારી આસાનીથી પોલીસને મળી જશે. આમાં ગાડી અને ડ્રાઈવર અંગેના તમામ ડેટા સામેલ કરાયેલા હશે. નવા કાર્ડ માટે હાલના દર કરતાં માત્ર 15થી 20 રૂપિયાનો જ વધારાનો ખર્ચ થશે.
નોંધનીય છે કે અનેક દેશોએ ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સને માન્યતા આપી છે. અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં ભારતીયોને એક વર્ષ સુધી પોતાના દેશના લાયસન્સ પર ગાડી ચલાવવાની મંજુરી મળેળી છે. લાયસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી છે અને સાથે આઈ-94 ફોર્મની કોપી પણ અનિવાર્ય છે. આ ફોર્મમાં અમેરિકા આવવાની તારીખ લખેલી હોય છે.
ફ્રાન્સ પણ ભારતીય લાયસન્સને માન્યતા આપે છે. પણ લાયસન્સની સાથે ફ્રેન્ચ ટ્રાન્સલેશન જરૂરી છે. આ ઉપરાંત ભારતીય પાસપોર્ટની સાથે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ ભારતીયો ગાડી ચલાવી શકે છે.