મ્યાનમારને અડીને આવેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભારતીય શહેર મોરેહમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, સોમવારે બપોરે લગભગ 2.30 વાગ્યે અસમ રાઇફલ્સ, તેંગનોપાલ જિલ્લા પોલીસ અને 43 આસામ રાઇફલ્સે મ્યાનમારના ખંપાટ ગામના મોનકાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
સઘન પૂછપરછ બાદ આ સંયુક્ત ટીમે મોરેહ વોર્ડ નં-3માં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 54.141 કિગ્રા બ્રાઉન સુગર અને 154.134 કિગ્રા ક્રિસ્ટલ મેથેમ્ફેટામાઈન મળી આવ્યો હતો. ભારતમાં આ બંને પર પ્રતિબંધ છે.
જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5.76 અબજથી વધુ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં રિકવર કરાયેલા ડ્રગ્સના આ સૌથી મોટા કન્સાઈનમેન્ટમાંથી એક હોઈ શકે છે.
તેગનોપાલ જિલ્લા પોલીસ અધિક્ષક વિક્રમજીત સિંહના જણાવ્યા અનુસાર, મણિપુરને ડ્રગ-મુક્ત રાજ્ય બનાવવા માટે ચાલી રહેલા ઓપરેશનના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આસામ રાઈફલ્સ અને ટેંગનોપાલ પોલીસ અને કમાન્ડો છેલ્લા કેટલાક દિવસોથી ભારત-મ્યાનમાર બોર્ડર પર આ ઘરમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યાં હતા.
ગયા વર્ષે આ જ તારીખે 43 આસામ રાઈફલ્સ અને તેંગનોપાલ જિલ્લા પોલીસે 165 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું.