ભોપાલ: દુષ્કર્મની ઘટનાઓ રાજ્ય અને દેશમાં રોજેરોજ બનતી રહે છે. પરંતુ મધ્ય પ્રદેશમાં એક શરમજનક ઘટના બની હતી. અહીં 21 વર્ષીય યુવકે 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, દુષ્કર્મ બાદ ગામ લોકોએ પીડિતા સાથે શરમજનક કૃત્ય આચર્યું હતું. ગામ લોકોએ આરોપી અને પીડિતા બંનેને દોરડાથી બાંધી દીધા હતા અને આખા ગામમાં પરેડ કરાવી હતી. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં બળાત્કારનો આરોપી અને ગામના અન્ય પાંચ લોકોનો સમાવેશ થાય છે.
આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કિશોરી અને યુવકને દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે. લોકો બંનેને ગામમાં પરેડ કરવાની ફરજ પાડી રહ્યા છે. આ દરમિયાન “ભારત માતા કી જય”ના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ બનાવ જોબટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામ ખાતે બન્યો હતો. જે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને કિશોરીને છોડાવી હતી.
પોલીસ અધિકારી દિલીપ સિંઘ બિલવાલે જણાવ્યું હતું કે, પીડિતા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ મામલે બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. “એક ફરિયાદ 21 વર્ષીય બળાત્કાર આરોપી વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. બીજી ફરિયાદ છોકરીના પરિવારના લોકો અને ગામના લોકો સામે નોંધવામાં આવી છે. છોકરીને ગામમાં પરેડ કરાવવા બદલ અને માર મારવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.”
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બળાત્કારનો આરોપી યુવક પરિણીત છે અને બે સંતાનોનો પિતા છે. યુવક સામે આઈપીસીની કલમો તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યો અને ગામના લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 394, 355, 323, 342 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.