પુરીમાં 1 જુલાઈએ પૂર્ણ થયેલી રથયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ આજે મુખ્ય મંદિરમાં આવશે. ગુંડિચા મંદિરથી પાછા ફર્યા બાદથી જ ભગવાન અત્યાર સુધી મંદિરની બહાર રથ ઉપર જ વિરાજમાન હતાં. આજે સાંજે 5 વાગ્યે તેમને રથમાંથી ઉતારીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય રથને તોડી નાખવામાં આવશે. રથના લાકડાને ભગવાનની રસોઈમાં વર્ષભર સુધી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. રથયાત્રા પરત ફર્યા બાદ પણ ત્રણ દિવસ ભગવાનને મંદિરની બહાર જ રાખવામાં આવે છે. અહીં અનેક પ્રકારની પરંપરા હોય છે. આજે સાંજે ભગવાનને રથ પરથી ઉતારીને મંદિરની અંતર રત્ન સિંહાસન ઉપર વિરાજમાન કરવામાં આવશે.
અહીં ભગવાન જગન્નાથ અને લક્ષ્મીના લગ્નની પરંપરાઓ પૂર્ણ થશે. ત્યાર બાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રથને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે થોડી વસ્તુઓ જેમ કે, સારથી, ઘોડા અને થોડી પ્રતિમાઓ સુરક્ષિત રાખવામાં આવશે. રથના થોડાં ભાગને કારીગર પોતાની સાથે લઇ જશે. જેને તેઓ પોતાનું મહેનતાણું અને ભગવાનનો આશીર્વાદ માને છે. થોડાં લોકો હવન માટે પણ રથના લાકડા લઇ જાય છે. આ પ્રકારે આજે રથયાત્રાનું સમાપન થશે. ગુરુવારે ભગવાનને સોનાના ઘરેણાથી સજાવવામાં આવ્યાં હતાં. આ પરંપરામાં 200 કિલો સોનાના ઘરેણા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીને પહેરાવવામાં આવ્યાં હતાં. આ ઘરેણા મંદિરના પરંપરાગત ઘરેણા છે, જેમની કિંમત કરોડોમાં છે. વર્ષભમાં એકવાર જ આ ઘરેણાનો ઉપયોગ થાય છે.