નવી દિલ્હીઃ દેશમાં એક તબક્કે કોરોના વાયરસની ગતિ ધીમી પડી ગઈ હતી ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હવે કોરોના વાયરસે ફરીથી ગતિ પકડી છે જેના પગલે દેશવાશીઓમાં ચિંતા ફેલાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉનના ભણકારા પણ વાગી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 8,702 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,72,643 લોકોને કોવિડ વેક્સીનઆપવામાં આવી ચૂકી છે.
બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,577 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.
બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 12,179 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,55,986 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,825 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,46,61,465 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 8,31,807 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 75, સુરતમાં 87, વડોદરામાં 89, રાજકોટમાં 63, જામનગર, કચ્છમાં 11-11, ગાંધીનગરમાં 10, આણંદ, ખેડા, ભાવનગરમાં 7-7 સહિત કુલ 424 કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.