ઉજ્જૈનનું મહાકાલ મંદિર 79 દિવસ બાદ 8 જૂને સામાન્ય ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું, પરંતુ માત્ર દર્શન માટે જ. પૂજન-અર્ચન માટે નહીં. 16 માર્ચથી ભસ્મારતી દર્શન અને 21 માર્ચથી મંદિરમાં સામાન્ય ભક્તો માટે પ્રવેશ બંધ હતો. કોરોનાની શરૂઆતમાં લોકો અહીં નિશ્ચિંત હતાં કે, તેઓ આ બીમારીથી મુક્ત છે. પરંતુ જોત-જોતામાં મૃત્યુનો આંકડો વધ્યો અને હવે આ સ્થાન પ્રદેશનું ત્રીજું કોરોના હોટસ્પોટ બની ગયું છે. અત્યાર સુધી અહીં 725 સંક્રમિત મળી આવ્યાં છે. કોરોના સામે મૃત્યુના મામલે ઇન્દોર, ભોપાલ પછી ઉજ્જૈન ત્રીજા નંબરે છે. અહીં 64 લોકો મૃત્યુ પામ્યા છે.
એક કોથળો ચોખા લઇને આવે અને બે-બે દાણા એક મંદિરમાં ચઢાવે તો ચોખા પૂર્ણ થઇ જશે, મંદિર નહીં. અહીં 250થી વધારે મોટા મંદિર છે, જ્યાં અનેક લોકોની આજીવિકા દેવ-દર્શન માટે આવતાં ભક્તોથી ચાલે છે. અઢી મહિનાથી બધું જ બંધ રહ્યું. હજું પણ ફૂલ-હાર, પ્રસાદ, ટ્રાન્સપોર્ટેશન, હોટલ, ભોજનાલય સંપૂર્ણ રીતે ખુલ્યા નથી. હવે શ્રાવણ શરૂ થવાના 28 દિવસ બાકી છે. જુલાઈમાં શ્રાવણની શરૂઆત સોમવારથી જ થશે. શ્રાવણમાં અહીં દરરોજ 70-80 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સંખ્યા એક લાખથી વધારે થઇ જાય છે. મહાકાલ કોઇનાથી દૂર થાય એવું અમે ઇચ્છતાં નથી.