નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી વિરુદ્વ ઈન્કમટેક્સ રિએસએસમેન્ટની કાર્યવાહી કરવાનો આદેશ આપી મોટી લપડાક આપી છે. કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નાણાંકીય વર્ષ 2011-12 માટે આવકનું ફરી મૂલ્યાંકન કરવા માટે આદેશ આપ્યા છે. જોકે, કોર્ટે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી આવકવેર વિભાગને પોતાની કાર્યવાહી કરવા અંગે સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અરજીના ગુણદોષ પર કોઈ અભિપ્રાય આપી રહી નથી.
સુપ્રીમ કોર્ટે 2011-12ના કેસને ફરી ખોલવાની મંજુરી આપતા કોંગ્રેસમાં ખળભળાટ વ્યાપી ગયો છે. જસ્ટીસ એ.કે.સિકરી, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.અબ્દુલ નઝીરની બેન્ચે આ મંજુરી આપી હતી. હવે આ મામલે વધુ સુનાવણી આઠમી જાન્યુઆરી કરવામાં આવશે. નેસનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના અનેક નેતાઓ વિરદ્વ આવકવેરા સંબંધિત કેસ ચાલી રહ્યો છે.
ત્રણ જજની બેન્ચે એવું પણ કહ્યું છે કે રાહુલ અને સોનિયા ગાંધીની અરજી અંગે વિશેષ કોઈ આદેશ આપ્યો નથી. આવકવેરા વિભાગ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે રાહુલ અને સોનિયા ગાંધી અને અન્યો વિરુદ્વ આઈટી ડિપાર્ટમેન્ટને કાર્યવાહી કરતાં અટકાવવો જોઈએ નહીં. કોર્ટે આ કેસ અંગે યોગ્ય આદેશ આપવાની જરૂર છે. જોકે, કોર્ટે કહ્યું કે સમયના અભાવે કેસની સુનાવણી મંગળવારે કરી શકાય એમ નથી અને આ એક વચગાળાનો આદેશ છે, જે બન્ને પક્ષો માટે ન્યાયોચિત છે.