ભારત 2022ની શરૂઆતમાં લદાખ અને અરૂણાચલ પ્રદેશની સરહદે રશિયન બનાવટની બે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દેવામાં આવશે. જેથી ચીનની સરહદે ભારતીય લશ્કર વધુ મજબૂત બની જશે. રશિયન રાજદૂતોના જણાવ્યા અનુસાર અત્યારે ભારતીય ટીમ રશિયામાં તાલીમ મેળવી રહી છે.
ભારત-રશિયા વચ્ચે એસ-400 ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો હતો. તેના ભાગરૂપે હવે ભારતને બે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ મળવાની તૈયારીમાં છે. ભારતીય લશ્કરની બે ટીમ આ એર ડિફેન્સ સિસ્ટમને ઓપરેટ કરવાની તાલીમ રશિયામાં લઈ રહી છે. રશિયન અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતને 2021ના અંત સુધીમાં એસ-400 ડિફેન્સ સિસ્ટમ આપી દેવાશે. ત્યારબાદ તેના ઈન્સ્ટોલેશનનું કામ શરૂ થશે. 2022ની શરૂઆતમાં એ બંને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જશે.
રશિયન બનાવટની આ એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ પૈકીની એક ગણાય છે. એની રેન્જ 400 કિલોમીટર સુધીની છે. આટલે દૂરથી એ દુશ્મનની મિસાઈલને પારખીને તેનો ખાત્મો બોલાવી શકે છે. એક વખતમાં આ એર ડિફેન્સ સિસ્ટમ 36 નિશાન ભેદી શકવા સક્ષમ છે. 30 કિલોમીટરની ઊંચાઈએ પણ આ સિસ્ટમ દુશ્મનના હુમલાને નાકામ બનાવીને મિસાઈલનો ખાતમો બોલાવી શકે છે.
ચીન પાસે પણ આ જ એર ડિફેન્સ સિસ્ટમ છે. ચીને ભારતની સરહદ નજીક ગારી ગર ગુંસા એરબેઝ પર એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી છે. ભારત હવે સામેની બાજુ આ જ એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવીને ચીનને જવાબ આપશે.