Weather Update : ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીના મોજાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે 25 મે સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન તેમજ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને વિદર્ભના ભાગોમાં 25 મે સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. IMD એ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં 25 મે સુધી ગરમ રાત્રિની સ્થિતિ વિશે પણ વાત કરી છે.
આગામી 3 દિવસ સુધી કોંકણ અને ગોવા, બિહાર અને ઝારખંડમાં પણ ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ હીટસ્ટ્રોકથી બચવાના ઉપાયો.
હીટસ્ટ્રોકથી કેવી રીતે બચવું
– જો તમે હીટસ્ટ્રોકથી બચવા માંગતા હોવ તો તમારા શરીરને હાઇડ્રેટ રાખો. આ માટે સમયાંતરે પાણી પીતા રહો. તમે નારિયેળ પાણી, લીંબુ પાણી, કાકડી, તરબૂચ જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.
– સાથે જ હળવા રંગના અને કોટનના કપડાં પહેરો. તેનાથી તમને ગરમી ઓછી લાગશે. બહાર જતા પહેલા, તમારા હાથ, પગ અને ચહેરાને યોગ્ય રીતે ઢાંકો જેથી શરીર સૂર્યના કિરણોને કારણે થતા ટેનિંગથી સુરક્ષિત રહે.
આ સિવાય હીટ સ્ટ્રોકથી બચવા માટે ખાલી પેટ ઘરની બહાર ન નીકળો. જો તમે લાંબા સમય સુધી તડકામાં ભૂખ્યા રહો છો તો તેનાથી ચક્કર આવવાનું જોખમ વધી જાય છે.
– હીટ સ્ટ્રોકથી બચવા માટે બહાર જવાનું ટાળો. બહુ જરૂરી કામ હોય તો જ જાવ. આ સાથે તમે ગરમ પવનોના જોખમથી સુરક્ષિત રહેશો.