હૈદરાબાદઃ દેશમાં મોટાભાગના રાજ્યોમાં ઇમર્જન્સી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સની સેવા ચાલી રહી છે. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઇજાગ્રસ્તો માટે ભગવાન સ્વરૂપ બને છે. જોકે, હૈદરાબાદમાં એક શરમજનક ઘટના બની હતી. એક અકસ્માત બાદ દોડી આવેલી બે 108 એમ્બ્યુલન્સના સ્ટાફે 2.30 કિલોગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી. જોકે, આ કેસનો ભેદ તેલંગણા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીડિત લોકોના પરિવારજનોએ તેમની કારમાંથી 2.300 કિલોગ્રામ સોનાનાં દાગીના ગુમ થયાની ફરિયાદ પોલીસને આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત બાદ મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવા માટે બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. એટલું જ નહીં, એમ્બ્યુલન્સના સ્ટાફે ઘટનાસ્થળેથી મળેલા 3.300 કિલોગ્રામ સોનાનાં દાગીના પોલીસને પરત આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, પીડિતોને હૉસ્પિટલ લઈ જવા દરમિયાન આ દાગીના તેમની પાસેથી મળી આવ્યા હતા. જે બાદમાં પોલીસ અધિકારીઓએ એમ્બ્યુલન્સના સ્ટાફની પ્રશંસા પણ કરી હતી.
આ કેસમાં મૃતક 55 વર્ષીય કે. શ્રીનિવાસ રાવ અને કે. રામબાબુના પરિવારજનોએ પોલીસને ફરિયાદ આપી હતી કે 2.300 કિલોગ્રામ વજનના સોનાના દાગીના ગુમ છે. જે બાદમાં પોલીસે એમ્બ્યુલન્સના સ્ટાફની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
રમાગુન્ડા પોલીસ કમિશનર વી. સત્યનારાયણે મીડિયાને જણાવ્યું હતું કે, બુધવારે ચોરી સંદર્ભે તેઓએ એમ્બ્યુલન્સના ડ્રાઇવર જી. લક્ષ્મા રેડી અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયનની ધરપકડ કરી છે. બંનેએ તકનો ગેરલાભ ઉઠાવતા 2.300 કિલોગ્રામ જ્વેલરી પોતાની પાસે રાખી લીધી હતી અને 2.300 કિલોગ્રામ જ્વેલરી પોલીસને આપી હતી. બીજી એમ્બ્યુલન્સના સ્ટાફને મૃતદેહને હૉસ્પિટલ ખસેડતી વખતે પીડિતની ખિસ્સામાંથી એક કિલોગ્રામ જ્વેલરી મળી હતી. આ જ્વેલરી તેઓએ પોલીસને સોંપી દીધી હતી.
મૃતકો આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લાના રહેવાશી છે. બંને લોકો તેલંગાણા ખાતે સોનાની જ્વેલરી આપવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન બંનેની કાર પલટી ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે રિકવર કરેલી તમામ જ્વેલરીના બિલોની સંબંધિત વિભાગની મદદથી ખરાઈ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફ કે જે અકસ્માતના બનાવમાં પ્રથમ ઘટનાસ્થળે પહોંચતો હોય છે તેઓએ હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ. કારણ કે એક-બે લોકોની આવી હરકતને પગલે આ વિભાગના તરફ શંકાની સોય તાકવામાં આવે છે.