હૈદરાબાદ: હૈદરાબાદના કૂકાતપલ્લી ખાતે એન્જીનિયરિંગની વિદ્યાર્થિનીની તેના પ્રેમીએ જ હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેણીના મૃતદેહને ઘરની પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. આ બનાવ શનિવારે બન્યો હતો પરંતુ મંગળવારે ધ્યાનમાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ બનાવમાં મૃતક યુવતી મંજુલા ભુપતિ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. ભૂપતિ અવારનવાર મંજુલાના ઘરે આવતો જતો હતો. બંનેના પરિવારના લોકો બંનેના લગ્નની વાત પણ કરી રહ્યા હતા. જોકે, છેલ્લા થોડા દિવસોથી ભૂપતિને એવી આશંકા હતી કે તેની પ્રેમિકાનું કોઈ અન્ય યુવક સાથે ચક્કર ચાલી રહ્યું છે.
10મી એપ્રિલના રોજ, એટલે કે શનિવારે ભૂપતિએ કોઈ ખાસ વાત અંગે ચર્ચા કરવાના બહાને મંજુલાને પોતાના ઘરે બોલાવી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ભૂપતિએ સ્કાર્ફ વડે મંજુલાની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેણે મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો. મંજુલાના પરિવારના લોકો શનિવારથી તેણીને શોધી રહ્યા હતા. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ વાત જાણીને ભૂપતિ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.
ભૂપતિએ પોલીસને જણાવ્યું હતું કે, બાળપણથી મંજુલાના પરિવારના લોકો તેના અને મંજુલાના લગ્નની વાતો કરતા હતા. જોકે, છેલ્લા થોડા દિવસોથી બંનેના પરિવાર વચ્ચે કોઈ વાતને લઈને વાંધો પડ્યો હતો. આ વાતને લઈને ઝઘડા ચાલી રહ્યા હતા.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, “ભૂપતિને લાગ્યું હતું કે મંજુલા તેને અવગણી રહી છે. આ વાતને લઈને તે ખૂબ ગુસ્સામાં હતો. જે બાદમાં ભૂપતિએ મંજુલાને પોતાના ઘરે બોલાવી હતી અને તેની હત્યા કરી નાખી હતી.” આ કેસમાં પોલીસે આરોપી ભૂપતિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે. જે બાદમાં ભૂપતિની ધરપકડ કરી લેવામાં આવી છે.
એવી પણ માહિતી મળી છે કે ભૂપતિને આશંકા હતી કે મંજુલાની અન્ય કોઈ પુરુષ સાથે લફરું ચાલી રહ્યું છે. આ જ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન 10મી તારીખે ભૂપતિએ મંજુલાને મળવા માટે બોલાવી હતી. ઘરે પહોંચ્યા બાદ મંજુલા અને ભૂપતિ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.
આ દરમિયાન જ મંજુલાના ફોનમાં કોઈ અન્ય યુવકનો કૉલ આવ્યો હતો. જેથી ભૂપતિએ આવેશમાં આવીને મંજુલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એવી પણ માહિતી મળી છે કે પ્રેમિકાની હત્યા બાદ ભૂપતિ પણ આપઘાત કરવા માંગતો હતો. આ માટે તેણે પ્રયાસ પણ કર્યો હતો. પ્રેમિકાની હત્યા બાદ ભૂપતિ ઘરેથી ભાગી ગયો હતો અને આખી રાત ભટક્યો હતો.