દાહોદ શહેર ભાજપા યુવા મોરચાના મહામંત્રી અને ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક શહેરમાં એક પરિણીતા સાથે વ્યભિચાર આચરતાં પરિણીતાના પતિએ ગોઠવેલા છટકામાં જ ઝડપાઇ ગયા હતા. પરિણીતાના પતિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પરિણીતાના પતિએ જ યુવા નેતા વિરુધ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે. દાહોદ શહેરના ગોદીરોડ પર બહુમાળી મકાનમાં દંપત્તી એકલું જ ઘરે હતુ. તેમાં પત્નીને ભારતીય જનતા પક્ષના દાહોદ શહેર યુવા મોરચાના મહામંત્રી બાદલ અશોક પંચાલ સાથે છેલ્લા કેટલાક સમયથી અનૈતિક સંબંધ હતો.
આ વેપારીની સોનાચાંદીની દુકાન જેસાવાડામાં હોવાથી તેઓ 14 મેના રોજ જેસાવાડા ગયા હતા. તે તકનો લાભ લઇને બાદલ પંચાલ સવારે 8:40 કલાકના અરસામાં પ્રેમિકાના ઘરમાં ઘુસી ગયો હતો. આ વાતની જાણ થતાં ચોકીદારે સુચના પ્રમાણે ઘર આગળ તાળુ મારી દીધુ હતુ અને તેના પતિને ફોન કરતાં જેસાવાડાના સરપંચ સાથે તઓ ઘરે ધસી આવ્યા હતા. ત્યારે આ યુવા નેતાએ મહિલાના પતિને જાહેરમાં ધમકી આપી ને જણાવ્યુ કે હું ભાજપાનો નેતા છું અને ગમે ત્યારે જેસાવાડા જતા આવતા તને પતાવી નાખીશ. પરિણામે પોલીસ આવી પહોંચી હતી અને બાદલ પંચાલને પોલીસ મથકે લઇ ગઇ હતી.જેથી શહેર પોલીસ મથકે ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.
આ બનાવમાં શહેર પોલીસે આરોપી બાદલ પંચાલ સામે આઈપીસી 452, 497 અને 506(2) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. બાદલ પંચાલ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક હોવાથી તેમને કેટલીક જવાબદારીઓ સુપરક કરેલી છે.જેનુ તેમને માનદ વેતન પણ મળે છે.ત્યારે થોડા મહિના પહેલા આંગણવાડીઓની ચકાસણી કરવા પણ તેઓ જતા હતા. આ મામલે તેમનાથી નારાજ થયેલા એક નેતાએ તેમને માપમાં રહેવા પણ જણાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારે કઇ રીતે કયા માપમાં રહેવુ તે ગહન સંશોધનનો વિષય છે.