High Court: એક વખત કાયમીપણું મંજૂર કરવામાં આવે તો, આવા કામદારોને પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા લાભો મેળવવાનો પણ અધિકાર
ગુજરાત રાજ્યના રોજમદાર કર્મચારીઓ માટે રાહતકર્તા ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ (ઇન્ડસ્ટ્રીલ ડિસ્પ્યુટ એકટ)ની કલમ ૨૫(બી) હેઠળ, દૈનિક વેતન કામદારો (રોજમદાર) કે જેમણે નોકરીમાં ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તેઓ કાયમી થવા માટે હકદાર ઠરે છે. જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, જો એકવાર કાયમીપણું મંજૂર કરવામાં આવે તો આ કામદારો પેન્શન અને ઉચ્ચ પગારધોરણ ેજવા વધારાના લાભો મેળવવા પણ હકદાર છે. જે લાભો નિયમિત રીતે નિયુકત કામદારો માટે ઉપલબ્ધ હોય છે.
જસ્ટિસ કેરીયલે વધુમાં જણાવ્યુ હતુ કે, જે કર્મચારી રોજમદાર તરીકે એટલે કે દૈનિક વેતન કામદાર તરીકે મૂળ રીતે નિમણુંક પામ્યો હતો
પરંતું તે અમુક ચોક્કસ વર્ષો સુધી નોકરીમાં કાર્યકાળ પુરો કરે તો તેવા સંજોગોમાં ખાસ કરીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કમલ ૨૫(બી) અનુસંધાનમાં આવા કામદારો નોકરીમાં કાયમી તરીકેના લાભો મેળવવા પાત્ર ઠરે છે. એટલુ જ નહીં ભલે તે ડિપાર્ટમેન્ટમાં રોજમદાર (દૈનિક વેતન કામદાર) તરીકે નિમણુંક પામ્યો હોય પરંતુ તેને પણ સીધી પસંદગીથી નિમણુંક પામેલા રેગ્યુલર-કાયમી કર્મચારીઓની જેમ જ ગણવો જોઇએ.
રાજ્યના વન વિભાગ દ્વારા નિમણુંક કરાયેલા કામદારો દ્વારા સરકારના તા. ૧૭-૧૦-૧૯૮૮ના સરકારી ઠરાવમાં દર્શાવેલ લાભોમાં ઇન્કાર કરવા સહિતના અનેક મુદ્દા પિટિશનમાં ઉઠાવ્યા હતા.
અરજદારોએ કોર્ટને જણાવ્યુ કે, અરજદાર દૈનિક વેતન કામદારો તરીકેનો તેમનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગના સત્તાવાળાઓ દ્વારા તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપવામાં આવ્યા ન હતા. જેને પગલે તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કામદારો તરફથી જણાવાયું કે, તેઓને હાલમાં તેઓ હકદાર છે, તેના કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા દરનું મહેનતાણું અપાઇ રહ્યુ છે. પરંતુ વન વિભાગના સત્તાવાળાઓએ તા. ૧૭-૧૦-૧૯૮૮, તા. ૧૫-૯-૨૦૧૪ અને તા. ૬-૪-૨૦૧૬ના સરકારી ઠરાવના લાભોનો અમલ કર્યો નથી.અરજદારો પૈકીના કેટલાકે તો નોકરીના કાર્યકાળમાં સંભવિત કાયમીપણું (રેગ્યુલરાઇઝેશન) અને સંબંધિત લાભો માટેની આવશ્યક સેવા અવધિ પૂર્ણ કરી છે, તેમ છતાં તેઓને કાયમી કરાયા નથી કે, મળવાપાત્ર લાભો અપાયા નથી.
હાઇકોર્ટે અરજદારો કામદારોને ત્રણ સપ્તાહમાં વ્યકિતગત રીતે વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજુઆત કરવાનો નિર્દેશ કર્યો હતો અને અરજદારોની રજુઆત મળ્યેથી વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓને આઠ સપ્તાહમાં કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો. જો કોઇ કામદારને આનુષંગિક લાભો આપવાનું થતુ હોય તો તે પછીના ચાર સપ્તાહમાં આ લાભો ચૂકવી દેવા પણ હાઇકોર્ટે ઠરાવ્યું હતું. હાઇકોર્ટે દરેક કામદારના કિસ્સામાં વ્યકિતગત વિચારણા હાથ ધરી સુપ્રીમકોર્ટ દ્વારા જારી સંબંધિત નિર્દેશો અને સરકારના સંબંધિત ઠરાવોને ધ્યાનમાં લીધા બાદ કાયદાનુસાર નિર્ણય લેવા પણ સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી.