Hajj quota for Muslims મુસ્લિમો માટે હજ ક્વોટામાં મોટો ફેરફાર: ભારત માટે ફક્ત 10 હજાર, પાકિસ્તાન માટે 24 હજાર યાત્રાળુઓને મંજૂરી કેમ?
Hajj quota for Muslims 2024ની હજ યાત્રા માટે સાઉદી અરેબિયાની સરકારે ભારત અને પાકિસ્તાનના મુસ્લિમ યાત્રાળુઓ માટે નવા ક્વોટા જાહેર કર્યા છે, જેમાં ભારતના ખાનગી ટુર ઓપરેટરો માટેનો ક્વોટો 52,507 યાત્રાળુઓમાંથી માત્ર 10,000 સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાનને 23,620 મુસાફરો માટે મંજૂરી મળી છે. ભારત માટે આ 80% ઘટાડો છે, જે લગભગ 42,000 મુસાફરોને સીધી અસર કરે છે.
ભારત માટે કુલ 1,75,025 હજ યાત્રાળુઓનો ક્વોટા મળ્યો હતો, જેમાંથી લઘુમતી બાબતોના મંત્રાલયે 1,22,518 યાત્રાળુઓ માટે હજ સમિતિ દ્વારા વ્યવસ્થા કરવાની છે. બાકીના 52,507 મુસાફરો માટે ખાનગી ટુર ઓપરેટરો (CHGO – Combined Hajj Group Operators) જવાબદાર હતા. સરકારના મતે, CHGO દ્વારા સમયસર જરૂરી પ્રક્રિયાઓ ન પૂર્ણ થતાં સાઉદી અરેબિયા તરફથી મિના વિસ્તારમાં જગ્યા ફાળવવી બંધ કરવામાં આવી.
મિના, મક્કા નજીક આવેલું તંબુઓનું શહેર છે, જ્યાં હજના સૌથી મહત્વપૂર્ણ ચાર દિવસ યાત્રાળુઓ રોકાય છે. હવે, CHGOને ફક્ત 10,000 મુસાફરો માટે જ સૌદીના હજ પોર્ટલ ‘નુસુક’ પર કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર અને મંત્રાલયે વારંવાર તાકીદ છતાં, CHGO સમયમર્યાદા માટે તૈયાર ન હતી, જેનાથી આ મોટું પરિણામ આવ્યું.
વિપરીત સ્થિતિમાં, પાકિસ્તાનના ટુર ઓપરેટરો સમયસર તમામ કામગીરી પૂર્ણ કરી, તેમની તરફથી વિઝા અને લોજિસ્ટિક્સની તમામ કામગીરી 18 એપ્રિલ સુધી પૂરતી કરી હતી, જેના કારણે તેઓ તેમના મોટાભાગના મુસાફરો માટે મંજૂરી મેળવવામાં સફળ રહ્યા.
મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં સરકાર દ્વારા 800થી વધુ ટુર ઓપરેટરોને 26 સંસ્થાઓમાં મર્જ કરાયા હતા, પણ તેમની સંકલિત કામગીરીમાં વ્યવસ્થાપન ખોટું પડ્યું. જોકે ભારત સરકાર હવે સાઉદી અરેબિયા સાથે વાતચીત કરી રહી છે કે કેવી રીતે વધુ યાત્રાળુઓને સામેલ કરી શકાય.
આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સરકારી સમયમર્યાદાનું પાલન અને યોગ્ય વ્યવસ્થાપન નહી હોય તો મુસાફરોને નુકસાન ભોગવવું પડે. મુસ્લિમ સમુદાયમાં આ નિર્ણયથી નિરાશા છે અને સંભવિત સુધારાના માર્ગો શોધવામાં આવી રહ્યા છે.