25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. આ વખતે ગુપ્ત નવરાત્રિ વિશેષ સિદ્ધિ યોગમાં આવી રહી છે. જ્યોતિષ પ્રમાણે ગ્રહ-નક્ષત્રોના સંયોગથી સાધના કરતાં ગૃહસ્થ સાધકોને સિદ્ધિ પ્રાપ્ત કરવી સરળ રહેશે. આ અવસર સાધકો માટે ખાસ રહેશે. ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથી શરૂ થઇને 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. નવરાત્રિનું અનુષ્ઠાન સમાપ્તિ 4 ફેબ્રુઆરીએ થશે. ગુપ્ત નવરાત્રિ ખાસ કરીને તાંત્રિક ક્રિયાઓ, શક્તિ સાધના, મહાકાળ વગેરે સાથે જોડાયેલ લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દરમિયાન દેવી ભગવતીના સાધક આકરા નિયમ સાથે વ્રત અને સાધના કરે છે. આ દરમિયાન લોકો લાંબી સાધના કરી દુર્લભ શક્તિઓની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરે છે. નવ દિવસ વ્રત રાખનાર સાધકે કાળા કપડાં પહેરવા નહીં. મીઠું અને અનાજનું સેવન કરવું નહીં. દિવસમાં સૂવું નહીં. કોઇપણ અપશબ્દ બોલવા જોઇએ નહીં. સાધકે માતાની બંને સમય આરતી કરવી જોઇએ. આ દિવસોમાં દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ વિશેષ લાભદાયી રહે છે. ગુપ્ત નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખવાનું વિધાન છે. આ નવરાત્રિમાં માતાની આરાધના રાતના સમયે કરવામાં આવે છે. આ નવ દિવસો માટે કળશની સ્થાપના કરવામાં આવે છે. જો કળશ સ્થાપના કરી હોય તો બંને સમયે મંત્ર જાપ, દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.