માઁ આદ્યશક્તિની આરાધનાનો અવસર એટલે અષાઢી (ગુપ્ત) નવરાત્રી. હિન્દુ વર્ષમાં ચાર નવરાત્રિ પૈકીની અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિમાં માંઈભક્તો નવ દેવીના નવ સ્વરૂપની પૂજન-અર્ચના કરી શક્તિની ભક્તિમાં લીન બને છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ચૈત્રી અને શરદ નવરાત્રિ ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી આવે છે. એક માન્યતા અનુસાર ગુપ્ત નવરાત્રિનું પ્રકટ નવરાત્રિથી વધુ મહત્વ હોય છે. ખાસ કરીને માઁ આદ્યશક્તિની સાધના અને તાંત્રિક સાધના કરવા વાળા સાધકો માટે ગુપ્ત નવરાત્રિ મહત્વની માનવામાં આવે છે. અષાઢી નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીના વિવિધ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરે છે. આ ઉપરાંત ઘણા માંઈભક્તો અષાઢી નવરાત્રિમાં ઉપવાસ-એકટાણા કરી શક્તિની ભક્તિની આરાધના કરે છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરો માં વિશેષ પૂજા-આરતી, શણગાર, માતાજીના ગરબા સહિતના કાર્યક્રમોની ઉજવણી થાય છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે, આમ તો આખા વર્ષ દરમ્યાન ચાર નવરાત્રિ આવે છે. પરંતુ ઘણા લોકોને બે જ નવરાત્રીની ખબર હોય છે. બાકી ની બે નવરાત્રી એ ગુપ્ત નવરાત્રિ હોય છે. આખાં વર્ષ દરમ્યાન મહા, ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં નવરાત્રી આવે છે. જેમાં લોકો ને ચૈત્ર અને આસો નવરાત્રી વિશે જ ખબર હોય છે. પરંતુ મહા અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ હોય છે. આ નવરાત્રી વિશે બહુ જ ઓછાં લોકો ને ખબર હોય છે. તેથી ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. તમામ ગ્રંથોમાં આ ચાર નવરાત્રિ નું મહત્વ બતાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ માં સુદ પક્ષ માં એકમ થી નોમ સુધી નવરાત્રી માનવામાં આવે છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ માં કોઈ પણ તાંત્રિક પ્રયોગ કરવામાં આવે તો એ ફળદાયી હોય છે. આ સમય માં લક્ષ્મી પ્રાપ્તિ માટે ની પુજા કે અનુષ્ઠાન કરવામાં આવે તો એ સફળ થાય છે.