ગુજરાતના મુખ્યમંત્રી પણ હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રસ્તે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદનું નામ બદલાવાના સંકેત આપ્યા છે. રૂપાણીએ કહ્યું કે 2019 પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણી પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદનુ નામ બદલાવાની વાત કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદમાં આલા ભદ્રકાળી મંદિરના દર્શ કર્યા હતા. દર્શનના સમયે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ તેમની સાથે હતા. આ પૂર્વે તેમણે ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. મંદિર દર્શન કર્યા બાદ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને વર્ષોથી અમદાવાદનું નામ બદલવાની માંગ બાબતે સ્પષ્ટતા કરી હતી.
મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ચાલી રહી છે. નામ બદલવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. નામ બદલવા બાબતે કાયદાકીય પ્રક્રિયા સહિતની તમામ બાબતો પર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદનું નામ ક્યારે બદલાશે તેવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે 2019 પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી થઈ જશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યા બાદ તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા હતા કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે છે. હવે સીએમ રૂપાણીએ પણ આવા સંકેત આપ્યા છે ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ દિશામાં કોઈ નક્કર પરિણામ આવશે.
અમદાવાદની સ્થાપના અહમદશાહે 1411માં કરી હતી. દંતકથા અનુસાર બાદશાહ અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કૂતરાનો પીછો કરતા જોયું હતું. આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકના જંગલ વિસ્તારને તેમણે પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો હતો. આ બનાવ એક લોકપ્રિય કહેવત “જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા” બની છે. બાદશાહના નામ પરથી જ અહમદાબાદ નામ પડ્યું છે.