પૂર્ણયાઃ દુષ્કર્મની ઘટનાઓ રાજ્ય અને દેશમાં રોજેરોજ બનતી રહે છે ત્યારે બિહારમાં એક માનવજાતને શર્મસાર કરતી ઘટના બની હતી. અહીં બે યુવકોએ એક 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના દમેલી સંઝા ઘાટની છે. ગેંગરેપના બનાવ બાદ પીડિતાના પરિવારે લેખિત ફરિયાદ મીરગંજ પોલીસ સ્ટેશનમાં આપી છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગી છે.
પીડિત બાળકીની માતા અને મામીનું કહેવું છે કે બાળકી મકાઈના ખેતરમાં ઘાંસ કાપવા માટે ગઈ હતી. આ સમયે ગામના લાલૂ યાદવનો પુત્ર નીતીશ કુમાર અને અશોક યાદવના પુત્ર મનીષ કમારે બાળકીનું મોઢું દબાવી દીધું હતું. બંને સંઝા ગામના નિવાસી છે. જે બાદમાં બંનેએ બાળકીના હાથ અને પગ બાંધી દીધા હતા. બાદમાં બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઘણો સમય થઈ જવા છતાં બાળકી ઘરે પરત ન આવતા બાળકીના પરિવારજનોએ તેણીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ કરતા બાળકી મકાઈના ખેતરમાં બેભાન હાલતમાં પડી હતી. પીડિતાના હાથ-પગ બાંધેલા હતા.
જે બાદમાં આ અંગેની જાણ દમેલીના મુખી અમિત કુમારને કરવામાં આવી હતી. મુખીએ ઘટના સ્થળે પહોંચીને મીરગંજ પોલીસ મથકમાં જાણ કરી હતી. જે બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસના કહેવા પ્રમાણે પીડિતની માતાએ લેખિતમાં ફરિયાદ કરી છે. હાલ આ કેસમાં બંને આરોપી ફરાર થઈ ગયા છે. બંનેની બહુ ઝડપથી ધરપકડ કરી લેવામાં આવશે. 12 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટના બાદ ગામમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
લોકો બંને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે. મુખી અમિત કુમારે જણાવ્યું કે, બાળકી પર દુષ્કર્મ ગુજરાનાર બંને આરોપીએ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.