કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આજે (શનિવારે) ચોથા તબક્કા માટે સવારે સાત વાગ્યે વોટિંગ શરૂ થઈ ગયું છે. ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું છે. ચોથા તબક્કાની 44 બેઠક પર કુલ 373 ઉમેદવાર મેદાનમાં છે. એક કરોડથી વધારે મતદાતાઓ આ તમામ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. પશ્ચિમ બંગાળના ચોથા તબક્કાના મતદાન દરમિયાન CISF એટલે કે કેન્દ્રીય સુરક્ષા દળના કથિત ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૂચબિહાર જિલ્લા સ્થિત સિતાકુચ્ચીવિધાનસભા બેઠક નીચે આવતા માથાભંગા બ્લૉકના ઝોરપટ્ટી વિસ્તારમાં બન્યો હતો. સમાચાર એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના સીતલકૂચીમાં CISF તરફથી પોતાના પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ગોળીબાર કર્યો હતો, આ દરમિયાન ચાર લોકોનાં મોત થયા છે.
આ બનાવ પહેલા કૂચબિહારમાં જ એક મતદાન કેન્દ્ર બહાર અજાણ્યા લોકોએ વોટિંગ માટે આવેલા એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. તૃણમૂલ કૉંગ્રેસના જણાવ્યા પ્રમાણે આ હત્યા પાછળ ભારતીય જનતા પાર્ટી છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે પીડિત યુવક મતદાન કેન્દ્ર પર પોલિંગ એજન્ટ હતો. હત્યા માટે ભાજપે સત્તાધારી પાર્ટીને જવાબદારી ગણાવી હતી.
પોલીસે જણાવ્યું કે, આનંદ બર્મન નામના યુવકને મતદાન મથકની બહાર ઢસડીને લાવવામાં આવ્યો હતો. જે બાદમાં તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવ સમયે મતદાન ચાલી રહ્યું હતું. આ બનાવ બાદ તૃણમૂલ અને બીજેપીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બોમ્બ ફેંકવામાં આવતા અનેક કાર્યકરો ઘાયલ થયા હતા. આ દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોએ સ્થિતિને સંભાળવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
ટીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે, “હત્યા પાછળ ભારતીય જનતા પાર્ટીના ગુંડા છે. તેઓ અનેક દિવસોથી અશાંતિ પેદા કરવા માંગે છે. તેઓ ચૂંટણી હાર રહ્યા હોવાથી હવે લોકોની હત્યા કરી રહ્યા છે.” પશ્ચિમ બંગાળમાં આજે (શનિવારે) ચોથા તબક્કા માટે સવારે સાત વાગ્યે વોટિંગ શરૂ થઈ ગયું છે. ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું છે. ચોથા તબક્કાની 44 બેઠક પર કુલ 373 ઉમેદવાર મેદાનમાં છે. એક કરોડથી વધારે મતદાતાઓ આ તમામ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે.
આજે પાંચ જિલ્લાની 44 બેઠક પર મતદાન યોજાયું છે. આ જિલ્લામાં હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગણા, કૂચબિહાર અને અલીપુરદ્વારનો સમાવેશ થાય છે. 44 બેઠક પર સવારે સાત વાગ્યાથી લઈને સાંજના 6.30 વાગ્યા સુધી મતદાન ચાલશે. ચોથા તબક્કાની 44 બેઠક માટે કુલ 15940 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.