નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલું થઈ ગઈ છે. અને કોરોના વાયરસના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અને બીજી તરફ કોરોના સામે લડવા માટે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાને ડામવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક કરશે અને કોરોના અંગે તમામ બાબતો ઉપર ચર્ચા કરશે. વડાપ્રધાન 17 માર્ચે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કોરોના સંકટ ઉપરાંત વડાપ્રધાન દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા બાદ પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. એવામાં વડાપ્રધાન મોદી રાજ્યોની રસીકરણની પ્રગતિ અને તેમાં આવનારી તકલીફોની પણ સમીક્ષા કરશે.
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં મંગળવાર સાંજે સાત વાગ્યા સુધી 19,11,913 લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી અને તેની સાથે જ રસીના ડોઝની કુલ સંખ્યા 3.48 કરોડને પાર પહોંચી ગઈ. કુલ રસીકરણ લાભાર્થીઓમાં 75,01,590 સ્વાસ્થ્યકર્મીઓને પહેલો ડોઝ અને 45,40,776 સ્વાસ્ય્નકર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,492 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 કારણે 131 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,14,09,831 થઈ ગઈ છે.
આ ઉપરાંત, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 10 લાખ 27 હજાર 543 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 20,191 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,23,432 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,856 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,82,80,763 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 8,73,350 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.