મુંબઈના હિલ સ્ટેશન એવાં ગોરેગાંવ નજીક આવેલા આરે કોલોની વિસ્તારના જંગલમાં આજે સાંજે ભયાનક આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે લેવલ-બીનું એલર્ટ જારી કર્યું છે.
સોમવારે સાંજે 6:30 મીનીટે આગ ફાટી નીકળી હતી. ગોરેગાંવ પૂર્વમાં આવેલા આઈટી પાર્કથી આગે લપકારા માર્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરી રહ્યો છે.
પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે તૈનાત છે. અરુણ કુમાર વૈદ્ય માર્ગ પરના ઓપન પ્લોટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ પ્લોટ આરે કોલોની નજીક આવે છે. આ મુંબઈનો ગ્રીન વિસ્તાર છે.
હજુ સુધી જાન-માલના નુકશાનની કોઈ વિગત નથી તેમજ આગ કેવી રીતે લાગી તેનું કારણ પણ જાણી શકાયું નથી.
ફિલ્મ સિટી નજીક આવેલા જંગલીય વિસ્તાર હબલપાડાથી લઈને ચાર કિમી એરિયાનાં આગ પ્રસરેલી જોવા મળી રહી છે. આ વિસ્તારને સંજય ગાંધી નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ દુરના અંતરથી પણ આગ જોઈ શકાય છે અને આકાશમાં આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વેથી પણ આગની જ્વાળાઓ જોવા મળી રહી છે.
સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે આગ દિનદોષી ગ્રીન સોસાયટી પાસેની ન્યૂ મ્હાડા કોલોની પાસેથી શરૂ થઈ છે. ફિલ્મ સિટીના ફરતે ફાયર ફાઈટરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આગ ઝડપથી પ્રસરી રહી છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ગયા મહિને કેલિફોર્નિયામાં તબાહી મચાવનારી આગ જેવું રિ-રન મુંબઈમાં ન થાય.