સપનાઓની કોઈ ઉંમર હોતી નથી અને દરેક સપનું હકીકત બનતું નથી.તેમાંય કોઈ ગરીબને તો ભવ્યતા કે વૈભવનો ખ્યાલ જ આવી શકે નહીં. અહીં એક એવા ખેડુતની વાત છે કે જેણે પોતાની ડ્રીમ કાર ખરીદવા માટે એક બે નહીં પણ પુરા 80 વર્ષ લાગી ગયા. કાર ખરીદવા માટે તેઓ બચત કરતા રહ્યા હતા. આજે મર્સિડીઝને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. કંઈ કેટલીય જમીન હોય તો પણ ખેડુતોને કોડીયું બચાવવામાં નવનેજા પાણી ઉતરે છે. સરકારની અણધડ નીતિઓના કારણે ખેડુતોને હારાકરીનો સામનો કરવો પડે છે ત્યારે આ દાખલો અવશ્ય હાશકારો આપનારો બની જાય છે.
આ ખેડુતનું નામ દેવરાજન એચ છે. તામિલનાડુમાં રહેતા દેવરાજન વ્યવસાયે ખેડુત છે. આજકાલ સોશિયલ મીડિયા પર તેમની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. હકીકતે દેવરાજે 33 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદી છે. મર્સિડીઝ ખરીદવી માલેતુજારો માટે મોટી વાત નથી પણ જ્યારે એક ખેડુત ખરીદતો હોય તો આ વાત ખાસ બની જાય છે. મર્સિડીઝ ખરીદવાનું દેવરાજનનું બાળપણનું સ્વપ્ન હતું. આજે દેવરાજનની ઉંમર 88 વર્ષની છે અને જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે મર્સિડીઝ ખરીદવાનું સપનું જોયું હતું.
ક્યારેક બળદગાડું તો ક્યારેક સાયકલ ચલાવનારા દેવરાજન જ્યારે પોતાની પત્ની સાથે કાર ખરીદવા માટે ચેન્નાઈના મર્સિડીઝના શો રૂમ પર પહોંચ્યા તો કંપનીના કર્મચારીઓ તેમની હકીકત સાંભળીને અવાચક થઈ ગયા. કર્મચારીઓએ દેવરાજનની આખીય હકીકતને રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી અને જોત-જોતાંમાં આ પોસ્ટને અત્યાર સુધી 17,23,613 લોકો જોઈ ચૂક્યા છે.
આખરે દેવરાજન જેવા ખેડુતે સાબિત કરી દીધું કે ધીરજના ફળ મીઠા હોય છે અને સપનાઓની કોઈ ઉંમર હોતી નથી, માત્ર જરૂર છે ધૈર્ય અને મક્ક્મ ઈરાદાની. જો મક્કમતા સાથે આગળ વધો તો દરેક મંજીલ આસાન બની જાય છે.