20 જુલાઈએ દેવશયની એકાદશીથી જ ચાતુર્માસ શરૂ થઈ જશે. તેની સાથે જ ચાર મહિના સુધી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો થઈ શકશે નહીં. જોકે, આ દિવસોમાં ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ, નોકરી અને બિઝનેસ જેવા નવા કામની શરૂઆત માટે શુભ મુહૂર્ત રહેશે. આ વર્ષે ભગવાન વિષ્ણુ 118 દિવસ યોગ નિદ્રામાં રહેશે. આ દરમિયાન સંત અને સામાન્ય લોકો ધર્મ-કર્મ, પૂજા-પાઠ અને આરાધનામાં સમય વિતાવશે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ સમયગાળામાં સૃષ્ટિની સંભાળ અને કામકાજના સંચાલનની જવાબદારી ભગવાન ભોળાનાથ પાસે રહેશે. આ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી શકે છે પરંતુ લગ્ન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહીં. અષાઢ મહિનો સનાતન ધર્મમાં ધાર્મિક મહિનો પણ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા દુર્ગાની ગુપ્ત નોરતા દરમિયાન પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મહિનામાં બધા દેવી દેવતા આરામ માટે જાય છે.ચાતુર્માસની શરૂઆત હિંદુ કેલેન્ડરના અષાઢ મહિનાથી થાય છે. ચાતુર્માસ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે આ વખતે મંગળવાર, 20 જુલાઈ 2021થી શરૂ થઈને કારતક સુદ એકાદશી સુધી ચાલશે. જે 15 નવેમ્બરના રોજ છે. એટલે તેનો સમયગાળો 4 મહિનાનો રહેશે.
