નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા એક માત્ર હથિયાર કોરોના વેક્સીન છે. ત્યારે કોરોના વેક્સીન કોરોના સામે કેટલું રક્ષણ આપે છે એ અંગે અનેક સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિ વચ્ચે દિલ્લીમાં એક તબીબ,કે જેણે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતા, કોરોનાથી જ મૃત્યુ પામ્યા. આથી જ કોરોનાની રસી લીધી હોય તો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને સાવચેતી દાખવવી અને સુરક્ષિત રહેવુ અત્યંત જરૂરી છે.
દિલ્હીમાં કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં, એક સર્જનનું કોરોનાના સંક્રમણને લીધે મૃત્યુ થયું હતું. દિલ્લી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન ડોકટરની હાલત વધુ કથળતા, તેમને વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ 58 વર્ષીય સર્જન ડો.અનિલ કુમાર રાવત, ગઈકાલે કોરોના સામેની લડત લડતાં લડતા મૃત્યુ પામ્યા હતા.
મીડીયા રિપોર્ટ અનુસાર વેન્ટિલેટર પર લેવામાં આવ્યા તે પહેલા ડોકટરે, તેમના સાથીદાર તબીબને કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થઈને પાછા ફરશે, કારણ કે તેમને એન્ટી-ઇન્ફેક્શન રસી આપવામાં આવી છે. વર્ષ 1996 માં હોસ્પિટલની સ્થાપના પછી, ડોકટર અનિલ કુમાર રાવતે ત્યાં તેમની સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું હતું,
ખાનગી હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતું કે ડોકટર અનિલ રાવતને માર્ચની શરૂઆતમાં કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. લગભગ 10-12 દિવસ પહેલા, તેમને કોરોના સંક્રમણના લક્ષણો જણાયા હતા. ડોકટર રાવતે ઘરે પોતાને આઈસોલેટ કર્યા હતા. પરંતુ થોડા દિવસો પછી, તેમનું ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગ્યું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અમારી ટીમે ડોકટર અનિલ રાવતને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. એક સમયે તેમના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો.
અમે કોરોના સંક્રમણના રોગ સામેની સારવાર માટે આવશ્યક જે કાઈ જરૂરી હતું તે બધું જ કર્યું. અમે ડોકટર અનિલ રાવતનો જીવ બચાવવા શક્ય તેટલો પ્રયત્ન કર્યો. પણ તેઓ ના બચી શક્યા. આ કિસ્સો સૌ કોઈ માટે ચેતવણી સમાન છે. કોરોનાની રસી આપવામાં આવી હોવા છતાં, ડોકટરો અને હેલ્થકેર સ્ટાફના લોકો સંક્રમીત થઈ રહ્યાં છે. જો કે હળવા લક્ષણો ધરાવનારા ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ પ્રથમ વખત, રસી આપવામાં આવ્યા હોવા છતાં એક ડોક્ટરનું મોત નીપજ્યું હતું.
ડોકટર અનિલ રાવતના છેલ્લા શ્વાસ સુધી સાથે રહેલા અને તેમની સારવાર કરનારા ડો.આકાશ જૈન કહે છે – તેમને બે દિવસ પહેલા વેન્ટિલેટર મુકવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શક્યા નહીં. તેમના અંતિમ શ્વાસ સુધી હું તેની સાથે હતો. તે એક યોદ્ધા હતા. વેન્ટિલેટર ઉપર લઈ જતાં પહેલાં તેમણે મને કહ્યું કે ‘હું ઠીક થઈ જઈશ. મને રસી મળી છે. હું હમણાં પાછો આવું છુ. પણ તેમના આ શબ્દો છેતરામણા નિકળ્યા હતા.