સમગ્ર દેશમાં ભાજપ સરકારો દ્વારા નામો બદલવાની ફેશન ચાલી રહી છે. અલાહાબાદ, ફૈઝાબાદ અનુક્રમે પ્રયાગરાજ અને અયોધ્યા થયા બાદ ગુજરાતમાં અમદાવાદનું નામ બદલાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. પાછલા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલવા માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મૂવમેન્ટ અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે ગુજરાત સરકારને અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે જરૂરી સમર્થન મળશે તો ટૂંક સમયમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે અને નામ બદલવા અંગે કોઈ કાયદાકીય અડચણ પણ ઉપસ્થિત રહેતી નથી.
નીતિન પટેલે ઉમેર્યું કે, અમે યોગ્ય સમયે નામ બદલવાની વિચારણા કરી રહ્યા છીએ. 1411 એ.ડી.માં સુલ્તાન અહમદ શાહે કર્ણાવતી નજીક એક નવા કિલ્લાવાળા શહેરનો પાયો નાખ્યો હતો અને તે સમયે શહેરને ચાર સંતોએ અહેમાદાબાદ નામ આપ્યું હતું જે પાછળથી અપ્રભંશ થઈને અમદાવાદ થઈ ગયું છે. આજે પણ લોકો અહેમદાબાદના બદલે અમદાવાદ જ કહે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અમદાવાદનું નામ બદલવા અંગે આપેલા વચનમાંથી ફરી જવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ સરકારની ટીકા કરતા દોશીએ જણાવ્યું કે અમદાવાદનું નામ બદલવું એ ભાજપનું ચૂંટણી લક્ષી ગિમિક્સ છે.
મનીશ દોશીએ કહ્યું હતું કે, ભાજપ માટે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને અમદાવાદને કર્ણાવતી તરીકે નામ આપવાના મુદ્દા હિન્દુઓના મત મેળવવાના છે. ભાજપે ફક્ત સત્તામાં આવવા માટે હિન્દુઓને જ દગો દીધો હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે, “ભાજપના નેતાઓ સત્તા પર આવ્યા પછી આવા મુદ્દાઓને બગાડે છે. તેઓએ આ બધા મુદ્દે વર્ષોથી હિંદુઓને ફક્ત છેતર્યા.
જ્યારે ફૈઝાબાદને અયોધ્યા નામ આપવા અંગે આમ આદમી પાર્ટી (આપ) તેને “તુઘલખી” નિર્ણય તરીકે ઓળખાવ્યો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઈ) એ તેને “શાસનમાં નિષ્ફળતાને ઢાંકવા માટે ભાજપનું કાવતરું” હોવાનું કહ્યું છે.