આજે સોમવારે દિલ્હીવાસીઓ દુકાન કે ઓફીસ જવા નીકળશે તો પેટ્રોલ ભરાવવા માટે ભટકવું પડી શકે છે. દિલ્હીના પાડોશી રાજ્ય યુપી અને હરિયાણામાં સસ્તા પેટ્રોલ-ડીઝસ હોવાના કારણે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ઘટાડો થતાં પંપ માલિકોએ બંધનું એલાન આપ્યું છે. દિલ્હીનાં 400 જેટલા પંપ બંઘ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત CNG પંપ પણ બંધમાં જોડાયા છે. સંચાલકોનું કહેવું છે કે પાડાશી રાજ્યોએ વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા છે. યુપીની સરખામણીએ દિલ્હીમાં પેટ્રોલ 3 રૂપિયે અને ડીઝલ 2 રૂપિયા જેટલું મોંધું મળી રહ્યું છે.
મોંધા પેટ્રોલ-ડીઝલના કારણે વાહન ચાલકો યુપી અને હરિયાણામાં જઈને ઈંધણ ભરી રહ્યા છે. ઓલ ઈન્ડીયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય બંસલે કહ્યું કે અમે ઈચ્છતા નથી કે સામાન્ય લોકોને હાલાકી થાય. દિલ્હી સરકાર એવી ફોર્મ્યુલા બનાવે કે જેનાથી ઓછામાં ઓછું દિલ્હી અને એનસીઆરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સમાનતા આવે. બીજી તરફ આને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ અને આપે એક બીજા પર દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું છે.
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પેટ્રોલ પંપ માલિકોએ મને કહ્યું છે કે હડતાલ પાછળ ભાજપનો હાથ છે. તેલ કંપનીઓએ હડતાલને ટેકો આપ્યો છે. ભાજપના લોકો પંપના સંચાલકો પર પ્રેશર ઉભું કરી રહ્યા છે. ભાજપને લોકો ચૂંટણીમાં આનો જવાબ આપશે.
બીજી તરફ ભાજપના દિલ્હી ખાતેના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું કે જે લોકો ઘરમાંથી બહાર નીકળવા માંગી રહ્યા છે તેઓ પ્રથમ પેટ્રોલ ભરાવી લે. કેજરીવાલ સરકારે ડીટીસી બસોના ભાડામાં તોતીંગ વધારો કરી દીધો છે. પેટ્રોલ-ડીઝલ પર પાંચ રૂપિયા ઓછો વેટ કરી દે તો પ્રશ્નનું નિરાકરણ આવી જશે, જીદ કરવી યોગ્ય નથી.