દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્યા પટનાયકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલમાં ધમકી આપવામાં આવી છે કે 2018માં મોદી પર હુમલો કરવામાં આવશે, દિલ્હી પોલીસ કમિશનરના સત્તાવાર મેલ પર આ ધમકી આપવામાં આવી છે. હત્યા કરવાની ધમકી આપતા મેલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મેલ કોણે મોકલ્યો અને તેનો ઈરાદો શો છે તે અંગે આગળની તપાસ કરવામાં આવશે.
આ ઈમેલ નોર્થ-ઈસ્ટ સ્ટેટમાંથી મોકલાયો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલાંગાણામાં યોજાનારી ચૂંટણી પૂર્વે મેલ આવતા સિક્યુરીટી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ તમામ પાંચ રાજ્યોમાં મોદી સભાઓને સંબોધન કરવા જવાના છે.
જૂન મહિનામાં પૂણે પોલીસે લેફ્ટ વિંગના પાંચ લોકોની મોદીને ધમકી આપવાના કેસમાં પકડી પાડ્યા હતા. પકડાયેલા લોકોમાં વરાવરા રાવ, વકીલ સુધા ભારદ્વાજ, એક્ટવિસ્ટ અરૂણ ફરેરા, ગૌતમ નવલખા અને વેમન ગોન્સાલ્વેઝનો સમાવેશ થાય છે. આ પાંચેય પર આરોપ છે કે રાજીવ ગાંધીની જે પ્રકારે હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે તેઓ મોદીની હત્યા કરવા માંગતા હતા.
બીજી તરફ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું કે વડાપ્રધાન મોદીની આ જૂની સ્ટાઈલ છે. જ્યારે-જ્યારે મોદીને લાગે છે કે તેમની ફેન ફોલોઈંગમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે-ત્યારે તેઓ લોકો સમક્ષ હત્યાની થિયરી મૂકી દે છે.
તેમણે વધુમાં કહ્યું કે હું એમ નથી કહેતો કે ધમકીની વાત બોગસ છે પણ આ મોદીની ઓલ્ડ ટેકટીક છે. ફેન ફોલોઈંગમાં ઘટાડો થાય છે તો તેઓ હત્યાનો પ્લોટ ધરી છે. આ સમયે તેમની હત્યાની ધમકી કેટલી સત્ય છે.