નવી દિલ્હી: કોરોના વાયરસની સ્થિતિ અત્યારે ખુબજ ખરાબ થતી જાય છે. દેશમાં કોરોનાની બીજી લહેર પહેલા કરતા પણ ભયાનક છે. સરકાર પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં આજે કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયતરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 354 લોકોનાં મોતથયા છે. છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા છે, જેની સામે 41,280 દર્દી સાજા થયા છે.
દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,52,566 છે. દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મંગળવાર સુધીમાં દેશમાં 6,30,54,353 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 11.8 હજારનો વધારો નોંધાયો. એક્વિટ કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં છઠ્ઠા નંબર પર પહોંચ્યું. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 27.9 હજાર કેસ, છત્તીસગઢમાં 3.1 હજાર અને કર્ણાટકમાં 3 હજાર નવા કેસ. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 139 દર્દીનાં મોત, પંજાબમાં 64 તો છત્તીસગઢમાં 35 લોકોનાં મોત. દેશમાં આઠ રાજ્યમાં બે હજારથી વધારે નવા કેસ નોંધાયા.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના 2,220 કેસ નોંધાયા છે. જેની સામે રાજ્યમાં 1,988 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કોરોનાથી કુલ 10 દર્દીનાં મોત પણ થયા છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં મંગળવારે કુલ 1,93,968 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસ છે, જ્યારે 147 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાથી કુલ 4,510 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન મંગળવારે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 4, વડોદરામાં 1 મળીને કુલ 10 દર્દીના દુ:ખદ મોત થયા છે.