જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આમ જનતાને તેનો કડક અમલ કરવા પ્રસાશન સમજાવી રહ્યું છે, તેવા સંજોગોમાં રાજકીય આગેવાનો જે પ્રજાના પ્રતિનિધિ હોય છે તે લોકો જ કાયદાનો ભંગ કરતા હોય તેવું સામે આવ્યું છે. બાંટવામાં ગઈકાલે રાતે ૮ થી ૯ વાગ્યાના અરસામાં પ્યાસા ચોક પાસે આવેલ નગરપાલિકાના જાહેર બગીચામાં કેટલાક લોકો વોલીબોલ રમતા હોય તેવો કોઈએ મોબાઈલમાં વિડીયો ઉતારીને પોલીસને મોકલતા પીએસઆઇ કે.કે.મારું એ તપાસ કરી હતી.
વીડિયોમાં દેખાતા બાંટવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ભાજપના નગરસેવક રાજુ અંબુરામ વાઘવાણી જોવા મળતા તેને બોલાવીને પૂછતાછ કરતા તેની સાથે અન્ય ૧૨ લોકો વોલીબોલ રમતા હોવાનું સામે આવતા પોલીસે ૧૩ લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.