નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપ વચ્ચે સરકારો દ્વારા કેટલાક કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે દેશમાં કોરોનાની વાયરસની બીજી લહેર થોડી હળવી થતી જોવા મળી રહી છે. દેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 3,26,098 કેસ નોંધાયા છે. આ આંકડો મે મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાથી 3890 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 10મી મેના રોજ કોરોનાના 3 લાખ 29 હજાર કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા એક દિવસમાં કોરોનાના નોંધાયેલા આંકડાને ઉમેરતા દેશમાં અત્યારસુધી કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 43 લાખ 72 હજાર 907 થઈ છે. જ્યારે 24 કલાકમાં 3890 દર્દીનાં કોરોનાથી મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 2 લાખ 66 હજાર 207 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી 35 લાખ 32 હજાર 999 લોકો કોરોનાથી સાજા થયા છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં હવે હાલત સુધરતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 39,923 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 695 લોકોનાં મોત થયા છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં 53,249 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધી કુલ 53.09 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ સાથે જ અહીં 47.07 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 79,552 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ 5.19 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9,995 કેસ નોંધાયા છે. જેની સામે 15,365 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 104 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,944 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.82 ટકા છે. અત્યારસુધીમાં 1,47,51,911 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે.