નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ભારે ખતરનાક બનતી જાય છે. કોરોનાએ દેશમાં દયનિય સ્થિતિ ઊભી કરી છે. ત્યારે દેશમાં આજે બુધવારની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો આજે બુધવારે દેશમાં ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. ત્યારે આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોતનો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે.
દૈનિક મોતના કેસમાં ભારત ફરી એકવાર વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા છે. બ્રાઝીલમાં હાલ દૈનિક 1,500 લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 400-500 લોકોનાં મોત થઈ રહ્યા છે. મંગળવારે ભારતમાં 2020 લોકોનાં મોત થયા છે.
મહારાષ્ટ્ર: અહીં મંગળવારે 62,097 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 54,224 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કુલ 519 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 39.60 લાખ લોકો મહામારીની ઝપટમાં આવી ગયા છે, જેમાંથી 32.13 લાખ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં કુલ 61,343 લોકોનાં મોત થાય છે. હાલ રાજ્યમાં 6.83 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશ: મંગળવારે નવા 29,574 કેસ નોંધાયા છે, જ્યારે 14,391 લોકો સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં 162 લોકોનાં મોત થયા છે. યુપીમાં અત્યારસુધી કુલ 9.09 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 6.75 લાખ લોકો સાજા થયા છે. યુપીમાં અત્યારસુધી કુલ 10,159 દર્દીના કોરોનાથી મોત થયા છે. હાલ રાજ્યમાં 2.23 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે 28,395 નવા કેસ નોંધાયા છે, જ્યારે 19,430 લોકો સાજા થયા છે. આ દરમિયાન દિલ્હીમાં કુલ 277 લોકોનાં મોત થયા છે. દિલ્હીમાં કુલ 9.05 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 8.07 લાખ લોકો સાજા થાય છે. દિલ્હીમાં કુલ 12,638 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ 85,575 દર્દીનો સારવાર ચાલી રહી છે.
કેરળ: કેરળમાં મંગળવારે 19,577 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં નોંધાયેલા આ સર્વાધિક કેસ છે. અહીં કોરોના સંક્રમણ સામે લડવા માટે નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત: રાજ્યમાં મંગળવારે કોરોના વાયસનાના વિક્રમજનક 12,206 નવા કેસ નોંધાયા છે, જ્યારે કુલ 4,339 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. દરમિયાન મંગળવારે 121 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં વિક્રમજનક 4,691 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 76,500 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 353 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 76,167 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,46,067 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. કુલ 5615 દર્દીનાં મૃત્યુ થયા છે.