નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે ત્યારે આજે સોમવારે દેશમાં વધુ 1.31 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2812 લોકોના મોત નીપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,812 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1.31 લાખનો વધારો થયો છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે. દેશમાં સાજો થવાનો દર 82.6 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 2812 લોકોનાં મોત સાથે દેશમાં કુલ મોતની સંખ્યા 1,95,123 થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમા કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. તેની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાતમાં સતત દિવસે ને દિવસે કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે આજ રોજ 25 એપ્રિલ, 2021 રવિવારના ફરી કોરોનાના નવા કેસનો આંક 14 હજાર 200 ને પાર થઇ ગયો છે.
રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ વધારે વકરતી જઇ રહી છે. એવામાં આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા કેસનો આંક 14,296 આવ્યો છે જ્યારે 6,727 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 157 એ પહોંચી છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 75.54 થયો છે. તો રાજ્યમાં કુલ 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.