નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં જોર પકડ્યું છે. કૂદકેને ભૂસકે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. 2020ની જેમ જ કોરોનાએ આ વર્ષે પણ ડરાવવાનું શરું કર્યું છે. ગત એક સપ્તાહમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે તેણે ડિસેમબર બાદના તમામ આંકડાઓને પાછળ છોડી દીધા છે.
આ ઉપરાંત ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના કેસમાં 33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વાયરસના કારણે મૃતકોની સંખ્યા 6 સપ્તાહમાં સૌથી વધુ 28 ટકા વધી છે.
દેશમાં કુલ 2.99 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,291 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 118 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,13,85,339 થઈ ગઈ છે.
આ ઉપરાંત, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 10 લાખ 7 હજાર 352 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,455 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,19,262 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,725 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 14 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,74,07,413 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યંર છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 7,03,772 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.