નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. કોરોનાએ પોતાના સંક્રમણી સ્પીડ વધારી છે. દેશમાં રોજ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે આજે રવિવારની કોરોનાની દેશની સ્થિતિની વાત કરીએ તો આજે 25 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ આંકડો ભારતમાં 84 દિવસ બાદ 25000ની ઉપર પહોંચ્યો છે. દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ છે.
દેશમાં કોવિડ-19 સંક્રમણની હાલત ફરી એક વાર બેકાબૂ થતી હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. દેશમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર 25 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. ભારતમાં 84 દિવસ બાદ ફરી સંક્રમિતોનો આંક 25 હજારથી ઉપર ગયો છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 15 હજારથી વધુ કેસો નોંધાયા છે.
દેશમાં કુલ 2.97 કરોડ ડોઝનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દિવસમાં 15.20 લાખ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,320 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 161 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,13,59,048 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 9 લાખ 89 હજાર 897 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 16,637 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,10,544 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,607 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,67,03,641 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 8,64,368 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બે મહિનામાં 8 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટિંગનો આ સૌથી મોટો આંકડો છે.