નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. રોજે રોજ કૂદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પહેલી માર્ચથી 15 માર્ચની વચ્ચે 16 રાજ્યોના કુલ 70 જિલ્લામાં કોવિડ-19 ના દર્દીઓની સંખ્યામાં 150 ટકાની વૃદ્ધિ થઈ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે. તેઓએ જણાવ્યું કે, 16 રાજ્યોના લગભગ 70 જિલ્લામાં 1થી 15 માર્ચની વચ્ચે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 150 ટકાની વૃદ્ધિ જોવા મળી અને 17 જિલ્લામાં 100-150 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
ભારતમાં કુલ 3 કરોડ 71 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,871 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. 100 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 172 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,14,74,605 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 10 લાખ 63 હજાર 25 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,741 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,52,364 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,59,044 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 23,03,13,163 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 10,63,379 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.