નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એક તરફ કોરોના વેક્સીનેશન ચાલે છે અને બીજી તરફ કોરોનાનો આતંક ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસમાં કેસમાં 24 કલાકમાં જ મોટો ઊછાળો આવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ નોંધાયા છે. જેની સામે ફક્ત 30,386 લોકો જ સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4,52,647 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 291 લોકોનાં મોત થયા છે.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,19,08,910 થઈ છે. જેની સાથે 1,12,95,023 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કુલ 1,61,240 લોકોનાં કોરોનાથી મોત થયા છે. દેશમાં સાજા થવાનો દર હાલ 94.8 ટકા છે, જ્યારે મૃતનું પ્રમાણ 1.4 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરવામાં આવે તો 26મી માર્ચના રોજ દેશમાં કુલ 11,64,95 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના વેકસીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી કુલ 5,81,09,733 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2190 કેસ નોંધાયા છે. જેની સામે 1422 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,479 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.07 ટકા છે. અત્યાર સુધીમાં 40,89,217 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 6,25,135 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.