નવી દિલ્હીઃ કોરોનાએ દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દેશમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 4,01,993 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3,523 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ લોકોની સંખ્યા 1 કરોડ 91 લાખ 64 હજાર 969 થઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારસુધી 1 કરોડ 56 લાખ 84 હજાર 406 લોકો સાજા થયા છે. હાલ દેશમાં 32 લાખ 68 હજાર 710 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં કુલ મૃત્યાંક 2 લાખ 11 હજાર 853 થયો છે. ICMRના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,45,299 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસથી મહારાષ્ટ્ર રાજ્યની હાલત સૌથી ખરાબ થઈ છે. શુક્રવારે અહીં કોરોના વાયરસના નવા 62,919 કેસ નોંધાયા હતા. આ સાથે જ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 828 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધી 46 લાખ 02 હજાર લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં કોરોનાથી 68,813 લોકોનાં મોત થયા છે.
બિહારમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે છેલ્લા 24 કલાકમાં મુખ્ય સચિવ સહિત 80 લોકોનાં મોત થાય છે. જે બાદમાં પ્રદેશમાં કોરોનાથી મૃત્યાંક 2560 થયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના મુખ્ય સચિવ અરુણ કુમારસિંહનું કોરોનાથી મોત થયું છે.