નવી દિલ્હીઃ ધીમે ધીમે કોરોના વાયરસનો જોર ધીમે ધીમે ઘટતું જાય છે પરંતુ હજી પણ કોરોના દર્દીઓના મોતના આંકડા ચિંતા જનક છે. ભારતમાં સતત 20 દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો થતાં તે 92.48 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 1 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટ 6.57 ટકા છે જે સતત 9 દિવસથી 10 ટકાથી નીચે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,32,788 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,207 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,83,07,832 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 21,85,46,667 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-19ની મહામારી સામે લડીને 2 કરોડ 61 લાખ 79 હજાર 85 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
24 કલાકમાં 2,31,456 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 17,93,645 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,35,102 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 જૂન સુધીમાં ભારતમાં કુલ 35,00,57,330 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના 24 કલાકમાં 20,19,773 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.