નવી દિલ્હીઃ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,249 નવા કેસ નોંધાયા છે, જ્યારે 513 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા પછી દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા એક કરોડ 24 લાખ 85 હજાર 509 થઈ ગઈ છે. ભારતમાં કોરોના નવા કેસો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનો અંદાજ એની પરથી લગાવી શકાય છે કે, હવે દેશમાં એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ નોંધાયા છે. ફરી મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના 49,447 નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં 1 કરોડ 16 લાખ 29 હજાર 289 લોકો સાજા થયા છે, જ્યારે હાલમાં 6 લાખ 91 હજાર 597 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 64 હજાર 623 થઈ ગઈ છે. આઇસીએમઆર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,66,716 કોરોનાની તપાસ થઈ છે.
શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19ના 49,447 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આને કારણે, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 29,53,523 થઈ ગઈ છે. જ્યારે કોરોનાથી મૃત્યું પામેલા 277 દર્દીઓની સાથે મૃત્યુની સંખ્યા વધીને 55,656 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેરમાં કોવિડ -19ના 9,108 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ પહેલા, 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ, એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 24,619 નવા કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં શનિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના 3500થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ચેપ દર વધીને 4.48 ટકા થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 3567 નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 6,72,381 થઈ ગઈ છે.
ચેપના કારણે 10 વધુ મોત સાથે મૃત્યુઆંક 11,060 પર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કેસોમાં વધારાની વચ્ચે, ચેપ દર એક દિવસ પહેલા 4.11 ટકા હતો, જે વધીને 4.48 ટકા થયો છે.